અંગ્રેજી નહીં આવડે તો?

 “My dear brothers & sisters…..!” સભાગૃહમાં એક મૃદુ પણ ચોટદાર અવાજ ગુંજી રહ્યો. જાણે શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ બોલવા ઉભા થયા હોય એવી અનુભૂતિ તે સમયે સભાખંડમાં સહુને થઈ રહી. બોલનાર વ્યક્તિના પ્રત્યેક અંગ્રેજી ઉચ્ચારો સ્પષ્ટ અને સીધા હૃદય સોંસરવા ઉતરી જાય એવા હતા. આ સમયે એની આખીયે સ્પીચને હાથમાં પકડીને એક વ્યક્તિ સભાખંડની છેલ્લી સીટ ઉપર બેઠી હતી. એની બાજુમાં બેઠેલી વ્યક્તિએ એનો હાથ જોરથી પકડીને રાખ્યો હતો. પરંતુ આ વ્યક્તિ આ સમયે વર્તમાનમાં નહીં પરંતુ ભૂતકાળમાં સરી પડી હતી.
    “એને અંગ્રેજી માધ્યમમાં ભણાવો! કાલે ઉઠીને બે માણસો વચ્ચે અંગ્રેજીમાં બોલવાનું આવશે ને તો “તેં તેં….ફેં ફેં” થઈ જશે.” બોલતા બોલતા એમના પાડોશી અને ખાસ મિત્ર હસી પડ્યા હતા. રાહુલ જ્યારે ત્રણ વર્ષનો હતો ત્યારની આ વાત હતી. ગુજરાતી માધ્યમમાં ભણેલા એના મા-બાપને એમની આ વાતથી સહેજ ધક્કો લાગ્યો. પરંતુ પોતે કડકડાટ અંગ્રેજી બોલી શકતા નથી એ વાત એમણે જે-તે સમયે સ્વીકારવી પણ પડી. તેમ છતાં માતૃભાષામાં શિક્ષણ બાળકમાં સંસ્કાર સીંચે છે એમ દ્રઢપણે માનતા વાલીએ રાહુલને ગુજરાતી ભાષામાં જ ભણાવવાનું નક્કી કર્યું. એમને પેલા પાડોશી મિત્રની વાત ગળે ઉતરી ગઈ હતી અને તેથી જ એકબાજુ રાહુલનું શિક્ષણ શરૂ થયું અને બીજી બાજુ આ દંપત્તિએ અંગ્રેજી શીખવાના કલાસ શરૂ કર્યા. બે ત્રણ મહિનામાં તેઓ કડકડાટ અંગ્રેજી બોલતા અને લખતા- વાંચતા શીખી ગયા.
રાહુલ જેમ-જેમ મોટો થતો ગયો એમ એનું ગુજરાતી ભાષાનું શિક્ષણ વધુ ને વધુ કપરું થતું ગયું. પરંતુ એના સમગ્ર અભ્યાસકાળમાં એને એક વાતની બહુ જ મજા આવતી હતી અને મજા એ હતી કે ગમે તેટલો ભણવાનો ભાર કેમ ન હોય, રાત્રે એક કલાક તેના માતા-પિતા તેની સાથે અંગ્રેજીમાં વાર્તાલાપ કરતા. એકબીજાની પછાત અંગ્રેજી ઉપર હસતા, ભાંગ્યા તૂટ્યા અંગ્રેજીમાં પોતાની વાત કહેવાની કોશિશ કરતા અને ફરી ક્યાંક ગુજરાતી શબ્દ બોલવામાં આવી ચઢે અને તેઓ ખડખડાટ હસી પડતા. રાહુલના અભ્યાસકાળનો આ “સુવર્ણ કલાક” હતો કે જેમાં એની ઉપર કોઈ જ પરફોર્મન્સ પ્રેશર નહોતું, કોઈ અપેક્ષા નહોતી અને કોઈ જ જાતની રોક-ટોક પણ નહોતી. સમય વીત્યો એમ અંગ્રેજી પણ સુધરતી ચાલી, ભાંગ્યા તૂટ્યા શબ્દો હવે મક્કમ અને સ્પષ્ટ થવા લાગ્યા. તેઓ સાથે અંગ્રેજી ફિલ્મો પણ જોવા લાગ્યા અને ઘરમાં બોલાતી ભાષામાં શિક્ષણ પણ વધુ નિખરવા લાગ્યું. પોતાનો અભ્યાસકાળ પૂરો કરીને રાહુલે એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને તે એટલું તો સફળ રહ્યું કે આજે એક એન.જી.ઓ દ્વારા એનો સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. એ જ સન્માન સમારોહની છેલ્લી સીટ ઉપર એના મા-બાપ પણ બેઠા હતા. એમની હાજરીની જાણ રાહુલને નહોતી પણ રાહુલ શું બોલવાનો છે એ સ્પીચ એમની પાસે હતી.
    તાળીઓના ગડગડાટ વચ્ચે રાહુલે “Thank you!” કહ્યું અને એમની તંદ્રા તૂટી. એમની આંખમાં ઝળઝળિયાં હતા. એવામાં એકાએક સ્ટેજ ઉપરથી એનાઉન્સમેન્ટ થયું. “રાહુલ તમારા માટે એક સરપ્રાઈઝ છે!” એકાએક સ્પોટ લાઈટ રાહુલના મા-બાપ જ્યાં બેઠા હતા ત્યાં પડી! તાળીઓના ગડગડાટ વચ્ચે રાહુલ એમની પાસે પહોંચી ગયો અને પગે લાગીને ફક્ત એટલું જ બોલ્યો,” how do you do? ” ત્રણેય જણા જાણે ભૂતકાળમાં સરી પડ્યા હોય એમ ખડખડાટ હસી પડ્યા, એમની આંખમાં આંસુ હતા અને હૈયે અકલ્પ્ય સંતોષ! આખોય સન્માન સમારોહ ઉજવાઈ ગયા બાદ બેક સ્ટેજ ઉપર કોઈકે પૂછ્યું,”રાહુલ! તમે કોનવેન્ટમાં ભણ્યા છો?” રાહુલે હસીને કહ્યું,”ભણતર તો માતૃભાષામાં જ હોય ને!” સાંભળનારના આશ્ચર્યનો પાર ન રહ્યો. “તો પછી આટલું ચોટદાર અંગ્રેજી??” રાહુલે હસીને કહ્યું,”એતો How do you do!! ની કમાલ છે!”
    જ્યારે મા-બાપ બાળક માટે યોગ્ય રીતે મેદાને ચઢે છે ત્યારે પરિણામ કંઈક આવું જ હોય છે, અંગ્રેજી આવડવી જરૂરી છે જ પણ જીવનનો ખરો મહિમા માતૃભાષા વધારે છે ખરું ને?
– તીર્થંક રાણા

Related Posts

Are you happy?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *